Monday, December 22, 2008

કિતને પાસ કિતને દૂર?

એક યુવતીને ગેલેરીમાં મોબાઈલ પર વાત કરતી જોઈ મનમાં પ્રશ્ન થયો, એવી તે કઈ વાત હશે કે તેને ગેલેરીમાં આવીને વાત કરવી પડતી હશે? પછી વિચાર્યું કે એવું બને કે કદાચ, તેના પતિથી કે સાસુથી છુપાઈને પિયરના લોકો સાથે વાત કરતી હોય તેવું બને ને. ત્યાં વળી મનમાં દીપદંડ (ટ્યૂબલાઇટ માટે આ શબ્દ પ્રયોજી શકાય?) ઝબૂક્યો કે પણ આ યુવતીને ભલે હું નામથી નથી જાણતો પરંતુ એક જ ફ્લેટમાં રહેવાના કારણે એટલી તો ખબર છે જ કે તે પરિણીત નથી. તેને તો માતા છે અને ભાઈ પણ. માતા અને ભાઈથી છુપાઈને વાત કરવી પડે તેવી કઈ વાત હશે? આનો અર્થ એવો કાઢી શકાય કે તેને ઘરના સભ્યો સાથે બનતું નથી?

ત્યાં વળી બીજો વિચાર ટપ દઈને કૂદી પડ્યો, ઘરના સભ્યો વચ્ચે ન બનતું હોય તેની સાબિતી કઈકેટલાક મુદ્દા મેં તારવ્યા છે, કદાચ, હું ખોટો પણ હોઈ શકું. તો બ્લોગધારકો અને બ્લોગવાચકો મારું નમ્રપણે ધ્યાન દોરી શકે છે (બાકી, ઇન્ટરનેટ પર બેફામ પ્રતિક્રિયા લખવાનું બહુ ચલણ છે).

(૧)               ઘરના સભ્યોને એકબીજાની પ્રવૃત્તિની જાણ ન હોય. જેમ કે, ભાઈ સ્કૂલે નથી ગયો તો કેમ નથી ગયો તેની બહેનને ખબર જ ન હોય.

(૨)               તમે ઘરના બીજા કોઈ સભ્યની વિરુદ્ધની વાત કાઢો અને તેના જવાબમાં તેનો બચાવ કરવાના બદલે તે પણ ટીકા કરવા લાગે, તો સમજવું કે નક્કી દાળમાં કંઈક કાળું છે!

(૩)               જ્યારે ઘરના સભ્યો વાત કરતા હોય ત્યારે બીજા સભ્યની વાત પહેલો સભ્ય નક્કર કારણ વગર, માત્ર કાપવા ખાતર કાપે તો સમજવું કે આમને ત્યાં બારેમાસ ઉત્તરાયણની સિઝન ચાલે છે.

(૪)               જ્યારે ઘરના કોઈ સભ્યની વિરુદ્ધ કોઈ ત્રાહિત વ્યક્તિ બોલે કે કંઈ કરે અને બીજા સભ્યો ચૂપચાપ જોઈ રહે (આપણા દેશમાં આ વાત ડગલે ને પગલે અનુભવાય છે) તો માનવું કે આમનો લાકડાનો ભારો ખુલ્લો છે. (લાકડાના ભારાની વાર્તા કહેવાની જરૂરી ખરી?)

આ સિવાય કોઈ કારણ તમને ધ્યાનમાં આવે તો અહીં લખી શકો છો, સ્વાગત છે તમારું!

Hello to blog world!

This is Jaywant Pandya, a enthusiastic journalist from Ahmedabad, Gujarat,India, saying Hi to blog world. I hope that I will also contribute good writings. You are welcome to my blog.